Pages

JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

7/4/15

ગુજરાતના વન્ય સ્થળો.

    ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત....
  • ૧  હિંગોળગઢ (રાજકોટ)
   જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. હિંગોળગઢનું જંગલ તો માત્ર સાડા છ ચોરસ કિલોમીટરનું જ છે, પણ તેમાં સજીવોનું ભારે વૈવિધ્ય છે. એકાદ ટેકરી પરથી ઉછળ-કૂદ કરતાં હરણ સરળતાથી જોઈ શકાય એમ છે, તો વળી સાપ-અજગર અહીંના વિશેષ ગૃહોમાં રાખવામાં આવ્યા છે. જંગલ નાનું છે, એ મુદ્દો તેનો પ્લસ પોઈન્ટ બની શકે એમ છે, કેમ કે નાનુ છે, એટલે જ સરળતાથી આખુ ફરી શકાય એમ છે.
     શિવાજીના કિલ્લાની યાદ અપાવે એવો ગઢ જંગલની પાસેની ટેકરી પર બંધાયેલો છે. ૧૮૦૧માં જસદણના વજાસૂર ખાચરે એ મહેલ બંધાવ્યો હતો. તેની ઊંચાઈ ૧૧૦૦ ફીટ છે, એટલે ત્યાં પહોંચ્યા પછી આસપાસનો વિસ્તાર જોવાની પણ મજા પડે એમ છે. કિલ્લામાં રાજાશાહી વખતનો ઈતિહાસ સચવાયેલો છે.
વહેલી સવારે પહોંચી, મોડી સાંજ સુધી અહીં રખડીને એક દિવસનો સરસ પ્રવાસ કરી શકાય એમ છે.
અહીં ક્યા સજીવો જોવા મળશે?
વિવિધ જાતના પક્ષીઓ
સાપ-અજગર
હરણ
નિલગાય
શાહૂડી
કઈ રીતે પહોંચવુ?
હિંગોળગઢ અમદાવાદથી ૧૮૦ કિલોમીટર અને રાજકોટથી ૬૫ કિલોમીટર જ દૂર છે. જસદણ હાઈવે પર હોવાથી ત્યાં જવાના વાહનો મેળવવા કે વાહન લઈને જવું જરા પણ મુશ્કેલ નથી.
સંપર્ક
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (હિંગોળગઢ) - ૯૮૨૫૨૨૬૪૦૩
ગીર ફાઉન્ડેશન (ગાંધીનગર) - ૦૭૯-૨૩૨૨૧૩૮૫
* * * * *
  • (૨)  નારાયણ સરોવર (કચ્છ)
    નારાયણ સરોવર તેના ધાર્મિક પ્રવાસન માટે જાણીતું છે જ. પરંતુ સરોવરના કાંઠે અને આસપાસમાં વિવિધ પંદરેક એવા સજીવો વસે છે, જે બીજે ક્યાંય સરળતાથી જોવા મળી શકે એમ નથી. નારાયણ સરોવર પાસે ચિંકારા હરણ જોવા મળે છે, જેમાં નર ઉપરાંત માદાના માથા પર પણ શિંગડા ઉગેલા જોવા મળે છે. બીજે ક્યાંય આવા હરણનો વસવાટ નથી. અહીં હની બેજર નામનું સજીવ જોવા મળે છે, જે ગિનેસ બૂક ઓફ રેકોર્ડ પ્રમાણે જગતનું સૌથી નિર્ભિક પ્રાણી છે. હની બેઝરનું કામ નામ પ્રમાણે મધપૂડા પર આક્રમણ કરીને મધ આરોગવાનું છે. ભારતમાં હવે તો ચીતા જોવા મળતાં નથી, પણ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના અંદાજ પ્રમાણે ભારતમાંથી ચિત્તા નષ્ટ થયાં પહેલા તેનો છેલ્લો કુદરતી આવાસ નારાયણ સરોવર આસપાસ હતો.

સજીવો
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ
ચિંકારા
મધિયો (હની બેઝર)
કિડીખાઉં
જંગલી બીલાડી (ક્રેકલ)
કાળા તેતર

કઈ રીતે પહોંચવુ?
નારાયણ સરોવર છેક પાકિસ્તાન સરહદ પાસે આવેલું છે, એટલે ત્યાં સુધીનો પ્રવાસ પણ મજેદાર બની શકે એમ છે. ભુજથી સરોવર ૧૫૦ કિલોમીટર દૂર છે. અહીંથી સરકારી કે ખાનગી વાહન દ્વારા જઈ શકાય એમ છે. ભુજ ગયા વગર ત્યાં પહોંચી ન શકાય.
સંપર્ક
આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ભુજ) ૦૨૮૩૨ ૨૩૦૭૬૬
* * * * *
  • (૩)   ઈન્દ્રોડા પાર્ક
    ગાંધીનગર જનારા અનેક લોકો ઈન્દ્રોડા પાર્કના દરવાજેથી પસાર થતાં હશે. માટે અહીં પહેલી નજરે કશુંય નવીન લાગે નહીં. છતાં પણ ઈન્દ્રોડા જગતનો એક માત્ર પાર્ક છે, જે મુલાકાતીઓને સાડા છ કરોડ વર્ષ પહેલાનાં વિશ્વમાં લઈ જઈ શકે છે. અહીં ડાઈનાસોરના ઈંડા અને અવશેષો રાખવામાં આવ્યા છે. દુનિયામાં ઈન્દ્રોડાની માફક સરળતાથી ડાયનાસોરના ઈંડા-અવશેષોને જોઈ-સ્પર્શી શકાય એવી સગવડ બીજે ક્યાંય નથી. વાઘ-દીપડા સહિતના સજીવો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ વધારે આકર્ષક તો વ્હેલ માછલીનું સોએક ફીટ લાંબુ અસ્થિમાળખું છે. વ્હેલ ખરેખર કેવડી હોય તેનો અંદાજ એ હાડપિંજર જોયા શિવાય આવી ન શકે. કહેવા માટે ઈન્દ્રોડા કૃત્રિમ જંગલ છે, પણ છતાંય માણવાલાયક તો છે જ.
સજીવો
- પ્રાણી સંગ્રહાલય હોવાથી અનેક પ્રકારના સજીવો છે.
- બોટાનિકલ ગાર્ડન છે.
- વ્હેલ માછલીનું હાડપિંઝર
- ડાયનાસોરના અવશેષો
કઈ રીતે જઈ શકાય?
ઈન્દ્રોડા ગાંધીનગર અને અમદાવાદથી જવા માટે અનેક પ્રકારના ખાનગી-સરકારી વાહનો મળી રહે છે. પાર્કનો સમય સવારના ૮થી સાંજના ૬ સુધીનો છે. દર સોમવારે પાર્ક બંધ રહે છે.
સંપર્ક
ઈન્દ્રોડા પાર્ક - ૦૭૯-૨૩૨૨૦૫૬૦
* * * * *
  • (૪)  રતનમહાલ (દાહોદ)
     પ્રાથમિક શાળામાં ભણાવાયેલી કવિતા, રીંછ એકલું ફરવા ચાલ્યુ.. અહીં નજરોનજર જોઈ શકાય એમ છે. ગુજરાતમાં રીંછની સારી એવી સંખ્યા છે, પરંતુ લો-પ્રોફાઈલ સજીવ હોવાથી એ સરળતાથી દેખાતુ નથી. જોકે છેલ્લા એકાદ દાયકાથી રીંછ જંગલ બહાર નીકળી હુમલો કરી બેસતા હોય એવા થોડા બનાવો નોંધાયા છે. રીંછના દર્શન કરવા હોય તો રતનમહાલના જંગલોની મુલાકાત લેવી રહી. મહુડાના વૃક્ષોની બહુમતી ધરાવતો આ વન વિસ્તાર આમ તો ૫૫ ચોરસ કિલોમીટરનો જ છે, પણ સૌથી વધુ રીંછ અહીં જ છે.
સજીવો
- રીંછ
- શિયાળ
- દીપડા
- ઉડતી ખિસકોલી
- ઝરખ

કઈ રીતે પહોંચવુ?
    અહીં જવાનો આદર્શ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે. વડોદરાથી રતનમહાલનું જંગલ ૧૭૦ કિલોમીટર દૂર છે. દાહોદ ૭૦ અને ગોધરા અહીંથી ૮૫ કિલોમીટર દૂર છે. બારિયા ૩૦ કિલોમીટર અને ખેડા ૪૫ કિલોમીટર દૂર છે.
સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (બારિયા) - ૦૨૬૭૮૨૨૦૪૨૫
* * * * *
  • (૫)  વેળાવદર (ભાવનગર)
     કાળિયાર માટે જાણીતા વેળાવદર વિશે જાણવા જેવી હકીકત એ પણ છે, કે એ વિશ્વનો સૌથી મોટો કાળિયાર પાર્ક છે! કાળિયારના ટોળાંને ટોળાં જોવા અહીં મુશ્કેલ નથી. જરૃર પડયે ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકતા કાળિયાર ભારત અને પાકિસ્તાનમાં વધારે જોવા મળે છે. એમાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ વેળાવદર છે. એક સમયે ભાવનગરના રાજવીઓ અહીં ચિત્તાઓ સાથે હરણોનો શિકાર કરવા આવતા હતાં.
સજીવો
કાળિયાર
નીલગાય
ઝરખ
લીખ નામનું પક્ષી
કઈ રીતે પહોંચવુ?
      અમદાવાદથી ભાવનગર જતી વખતે જ રસ્તામાં વેળાવદરનો માર્ગ ફંટાય છે. વલભીપુર અહીંથી ૩૨ કિલોમીટર છે, ભાવનગર ૭૫ કિલોમીટર છે અને અમદાવાદ ૧૫૦ કિલોમીટર છે. પાર્કમાં જ વન વિભાગના ગેસ્ટહાઉસ સહિતની સગવડ છે, જે અંગે અગાઉથી સંપર્ક કરીને જાણકારી મેળવી શકાય છે.
સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વેળાવદર) - ૦૨૭૮ ૨૪૨૮૬૪૪
બહુમાળી ભવન (ભાવનગર) - ૦૨૭૮-૨૪૨૬૪૨૫
* * * * *
  • (૬)  ભરતવન (જૂનાગઢ)
     ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું પણ નથી. અંબાજીને બદલે ગીરનારમાં જવા જેવી જગ્યા ભરતવન અને સિતાવન છે. માન્યતા પ્રમાણે રામના વનવાસ દરમિયાન ભરતે અહીં રામનું મંદિર સ્થાપ્યુ હતું. સિતાવન જવા માટે સીડી છે અને ત્યાંથી ટ્રેકિંગ કરી શકાય એવો ઉબડ-ખાબડ પણ જંગલનો કાયદેસર અહેસાસ કરાવે એવો રસ્તો છે. ભરતવનનો આશ્રમ મોટો છે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અહીં રાત રોકાઈ શકાય છે. ભરતવન એકમાત્ર એવુ સ્થળ છે, જ્યાંથી ગીરનારનો બેકસાઈડ વ્યૂ જોઈ શકાય છે. એક વખત ભરતવન-સિતાવનની મુલાકાત લીધા પછી જ ખબર પડે કે હિમાલય કરતાંય જૂના ગીરનારની ખરી સમૃદ્ધિ શું છે..
કઈ રીતે પહોંચાય?
     ભારતવન સુધી જવા માડે અંદાજે અઢી હજાર પગથિયા ચડવા પડે છે. અહીં બહુ ઓછી ભીડ હોવાથી પ્રવાસની પણ અલગ મજા છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાંથી જ ભરતવન જતી સીડી અલગ પડે છે. અંબાજીથી પણ એક સીડી દ્વારા જઈ શકાય છે. પણ જૂનાગઢ પહોંચવુ મહત્ત્વનું છે.વહેલી સવારે સીડી ચડવાનું શરૃ કરી અજવાળું થાય ત્યાં સુધીમાં ભરતવન પહોંચી શકાય છે. અથવા તો બાપોર પછી સીડી ચડી બે હજાર ફીટની ઊંચાઈએ રાત રોકાવાનો આનંદ લઈ શકાય છે.
* * * * *
  • (૭)  સાસણ (જૂનાગઢ)
   સાસણને કોઈ ઓળખની જરૃર નથી. સિંહો માટે એ વિશ્વવિખ્યાત સ્થળ છે. ૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર નેશનલ પાર્કમાં ૪૦૦થી વધારે સિંહો છે અને એ સિવાય અઢળક પ્રાણીઓ છે. સિંહો સિવાય ઘણુંય જોઈ-રખડી શકાય એમ છે. ગીરની મજા લેવાનો એક રસ્તો ગીર આરપાર પ્રવાસ કરવાનો છે. ધારી પાસેના દલખાણિયાથી દાખલ થઈને સામા છેડે જામવાળા નીકળી શકાય છે. એ રસ્તો ગીરના બરાબર બે ભાગ કરે છે. બન્ને છેડે આવેલી ચેક પોસ્ટ પર નોંધણી કરાવીને એ રસ્તેથી પસાર થઈ શકાય છે.
સજીવો
સિંહ
દીપડા
કોબ્રા
શિયાળ
ચૌશિંગા
કાળિયાર
મગર
કઈ રીતે પહોંચવુ?
   સાસણથી જૂનાગઢ ૬૦ કિલોમીટર અને અમરેલી ૬૫ કિલોમીટર દૂર છે. દીવ નજીકનું એરપોર્ટ છે, ૧૧૦ કિલોમીટર. વેરાવળ ૪૦ કિલોમીટર, રાજકોટ ૧૬૦ અને અમદાવાદ ૪૧૦ કિલોમીટર દૂર છે. ચોમાસાને કારણે દર વર્ષે ૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી જંગલ બંધ રહે છે.
ગીર આરપાર નીકળતા રસ્તેથી પસાર થવા માટે ધારી અથવા જામવાળા જવું પડે. જૂનાગઢથી ધારી ૮૦ અને જામવાળા ૯૦ કિલોમીટર દૂર છે. પરંતુ ગીરની આરપાર નીકળવું હોય તો વહેલી સવારે પ્રવાસ શરૃ કરવો હિતાવહ છે. સાંજ પડયે ગીરના દરવાજા બંધ થયા પછી એ રસ્તો વાપરી શકાતો નથી.
સંપર્ક
સિંહ સદન (સાસણ) - ૦૨૮૭૭-૨૮૫૫૪૧
ડીસીએફ (જૂનાગઢ)- ૦૨૮૭૭-૨૮૫૬૨૧
* * * * *
  • ૮)   પૂર્ણા અભયારણ્ય (ડાંગ)
    પૂર્ણા નદીના કાંઠે ફેલાયેલુ ગાઢ, વરસાદી જંગલ પૂર્ણા અભયારણ્યમાં જઈને જોઈ શકાય છે. જંગલી સજીવો કરતાં પૂર્ણાનું જંગલ ત્યાંના વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. તો દીપડાઓની વસતી પ્રવાસીઓને ડરાવવા માટે પુરતી છે. પૂર્ણાના જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધારે વરસાદ પડે છે અને એટલે જ અહીં ગુજરાતના સૌથી ગાઢ જંગલો છે.
સજીવો
દીપડા
રીંછ
શિયાળ
કઈ રીતે પહોંચવુ?
   ૧૦૦ કિલોમીટર દૂર આવેલું સુરત સૌથી નજીકનું મોટું શહેર છે. વ્યારા સુધી રેલવે દ્વારા જઈ શકાય છે. વ્યારા ૨૦ જ કિલોમીટર દૂર છે.
સંપર્ક
ડીસીએફ (આહવા) - ૦૨૬૩૧-૨૨૦૨૦૩
* * * * *
  • (૯)   મરીન નેશનલ પાર્ક (જામનગર)
    જામનગર પાસે આવેલું દરિયાઈ ઉદ્યાન દેશનું પહેલું મરીન પાર્ક હતું. જમીન પરના જંગલો કરતાં આ જંગલ અલગ છે કેમ કે આ પાણીમાં છે. તેનાં સજીવો પણ અલગ છે અને અનુભવ પણ અલગ છે. દરિયાઈ જીવો ઉપરાંત પરવાળા ખડકો અહીં જોવા મળે છે. આખો પાર્ક ૪૨ ટાપુુમાં વિસ્તરેલો છે અને સ્વાભાવિક રીતે ત્યાં માત્ર હોડી દ્વારા જઈ શકાય છે.
કઈ રીતે પહોંચવુ?
    જામનગર પહોંચ્યા પછી બેડી બંદરેથી પાર્કમાં જઈ શકાય છે. પરંતુ ભરતી-ઓટ પ્રમાણે મુલાકાતનું ટાઈમ ટેબલ ગોઠવાતું હોવાથી ત્યાં વહેલુ પહોંચી જવુ હિતાવહ છે. અમદાવાદથી જામનગર ૩૫૦ અને રાજકોટથી ૯૦ કિલોમીટર દૂર છે.
સંપર્ક
ડીસીએફ (જામનગર) - ૦૨૮૮૨૫૫૦૭૭, ૦૨૮૮ ૨૬૭૯૩૫૭
  • ઓફ ટ્રેક ક્રાંકચ (અમરેલી)
      ક્રાંકચ એ કોઈ સત્તાવાર જંગલ નથી, અમરેલી જિલ્લાના લિલિયા પાસે આવેલું ગામ છે. છતાં જંગલથી કમ નથી. શેત્રુંજી નદીના કાંઠે ફેલાયેલા ક્રાંકચ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષોથી સિંહોનો મોટે પાયે વસવાટ થયો છે. જંગલ બહાર નીકળેલા સિંહોએ અહીં આગવુ અને અંગત જંગલ બનાવી લીધું છે. અહીં ગમે ત્યારે ત્રીસેક સિંહોની હાજરી હોય જ છે. અહીં સિંહો ટોળામાં જોઈ શકાય એમ છે. ગીર બહારનું આ જંગલ સત્તાવાર રીતે અભયારણ્ય નથી માટે ત્યાં જોઈએ એવી પ્રવાસન સગવડો પણ નથી. અમરેલીથી જ કોઈ જાણકારો સાથે ક્રાંકચ આસપાસના વિસ્તારમાં જઈ શકાય એમ છે.
* * * * *
  • કનરો ડુંગર (મેંદરડા)
    ગીરમાં મેંદરડા પાસે આવેલો કનરો ડુંગર ટ્રેકિંગ માટે બેસ્ટ સ્થળ છે. પરંતુ ક્રાંકચની માફક એ પણ કોઈ સત્તાવાર વન કે પ્રવાસન વિસ્તાર નથી. માટે ત્યાં સ્થાનિક લોકોની મદદ વગર જઈ શકાય એમ નથી. વળી કેટલોક વિસ્તાર ખાનગી માલિકીનો પણ છે. પરંતુ પ્રવાસનનો ખરેખર વિકાસ જ કરવો હોય તો અહીં જંગલ વચ્ચે કેડી કંડારી શકાય એમ છે. સિંહોનો અહીં મોટે પાયે વાસ છે. ખડતલ ટુ-વ્હિલર કે એસયુવી વગર ત્યાં જવાનું સરળ નથી.
* * * * *
  • ભીમચાસ (તુલસીશ્યામ)
      તુલસી શ્યામ જતાં પ્રવાસીઓ અચૂકપણે જમરી નદીના પુલ પરથી પસાર થતાં જ હશે. એ નદી પર જ આગળ ભીમચાસ નામની જગ્યા આવેલી છે. ભારતની નાનકડી ગ્રાન્ડ કેન્યન ખીણ જાહેર થઈ શકે એવો આ વિસ્તાર જોકે પ્રતિબંધિત છે. પ્રતિબંધના બે કારણ છે. એક તો ચાસ એટલે કે ખીણ સીધી જ શરૃ થઈ જતી હોવાથી ગફલતમાં રહેતા પ્રવાસીઓ તેમાં લપસી પડે તો જીવતા રહેવાનો કોઈ ચાન્સ નથી. બીજું કારણ અહીંના ખુંખાર મગરો છે. પરંતુ પ્રવાસન વિભાગ અહીં સુરક્ષિત બાંધકામ કરીને પ્રવાસીઓ ચાસ અને નદી કાંઠે ગોઠવાયેલા મગરો જોઈ શકે એવી સગવડ કરી શકે એમ છે. પ્રતિબંધિત હોવાથી ત્યાં જવામાં જોકે સાર નથી.
" વંદે વસુંધરા "

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

1 comment: